દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાન્યૂમો વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. HMPVને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ પણ સતર્ક છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ HMPVસને લઈને એલર્ટ મોડમાં આવી છે અને MCH બિલ્ડિંગમાં 10 બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો છે. તેમજ ઓક્સિજન-વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં આ માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો પણ તૈયાર છે. સાથે જ જરૂર પડ્યે બેડની સંખ્યા 100 સુધી વધારવા માટે અને 12 કલાકની ઓપીડી શરૂ કરવા માટે પણ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
સિવિલનાં એકાઉન્ટ ઓફિસર મહેન્દ્ર ચાવડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ખાસ 10 બેડનો વોર્ડ ઉભો કરાયો છે. જેમાં ઑક્સિજન અને વેન્ટીલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડ્યે 24 કલાકમાં આ બેડની સંખ્યા 100 કરવાની તૈયારી છે. આ માટે ખાસ ડોક્ટરોની ટીમ સહિત દવાઓ-ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. શિયાળામાં શરદી-ઉધરસના કેસોમાં 10-20 ટકા જેવો વધારો થતો હોય છે, જે હાલ પણ જોવા મળી રહ્યો છે. જોકે આ કેસોને HMPV સાથે કોઈ નિસ્બત નથી.
ઉપરાંત જરૂર પડ્યે બેડની સંખ્યા વધારવા માટે સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ છે. આ સિવાય ઓક્સિજન અને વેન્ટીલેટર પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવાયો છે. ગઈકાલે પીડિયાટ્રિક ડૉક્ટર્સ સાથેની બેઠક બાદ અધિક્ષક મોનાલી માંકડિયા દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે અત્યાર સુધી રાજકોટમાં HMPVસનો કોઈ કેસ સામે આવ્યો નથી અને હાલ જરૂરિયાત મુજબની તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે.