રાજકોટમાં જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડી જાણે ગાયબ થઈ હોય તેમ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જોકે બીજા સપ્તાહમાં જ આકરી ઠંડીનો અનુભવ થયો છે. સોમવારે સવારે અચાનક ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું. આ સાથે નલિયા બાદ રાજકોટ રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું હતું જે સિઝનના સામાન્ય તાપમાન કરતાં 4 ડિગ્રી ઓછું છે. રવિવારે પારો 13.5 ડિગ્રી સેલ્સિયસ હતો જે દર્શાવે છે કે તેમાં ભારે ગાબડું પડ્યું છે. બીજી તરફ સોમવારે આખો દિવસ 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ કારણે મહત્તમ તાપમાન પણ 26.8 ડિગ્રી સેલ્સિયસ સુધી જ પહોંચી શક્યું હતું. જેથી દિવસ આખો ઠાર અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ ત્રણ દિવસ સુધી આ જ સ્થિતિએ તાપમાન રહેશે ત્યારબાદ નજીવો વધારો આવી શકે છે.