રાજ્યના પુરવઠા નિગમે જાન્યુઆરી માસ ચાલુ થઇ ગયો ત્યાં સુધી તુવેરદાળ અને ચણાનો જથ્થો સપ્લાય ન કરતા રાજકોટ શહેર-જિલ્લાના રેશનકાર્ડ ધારકોને નવા વર્ષના પ્રથમ મહિને જ તુવેરદાળ કે ચણાના જથ્થાથી વંચિત રહેવું પડશે.
જ્યારે પુરવઠા વિભાગના આંતરિક વર્તુળમાંથી જાણવા મળ્યા મુજબ પુરવઠા નિગમનું સપ્લાય નેટવર્ક છેલ્લા ઘણા માસથી ગોટે ચડ્યું છે અને છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી રાજ્યમાં તુવેરદાળ અને ચણાનો જથ્થો સસ્તા અનાજના વેપારીઓને સપ્લાય કરવામાં ઉચ્ચ અધિકારીઓની બેદરકારીને કારણે નિગમ લગભગ મોટાભાગે નિષ્ફળ જ રહ્યું છે. હાલમાં સસ્તા અનાજની દુકાને ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો પૂરતો જથ્થો આવી ગયો છે, પરંતુ તુવેરદાળ કે ચણાનો જથ્થો નહીં પહોંચતા રેશનિંગનો જથ્થો લેવા આવતા કાર્ડધારકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના કિસ્સા બની રહ્યાની પણ ફરિયાદો ઊઠી છે.