હજારો રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 4 જાન્યુઆરીના શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71.30 લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની સાથે રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તેને લઇને આજે કલેક્ટર કચેરી ખાતે તમામ વિભાગોની વીડિયો કોન્ફર્નસ હતી.
4 જાન્યુઆરીએ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભનો શુભારંભ સમારોહ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન ખાતે શનિવારે સાંજે 5.30 વાગ્યાથી શરૂ થશે. જેમાં મુખ્ય અતિતિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ રમતગમત અને યુવક સેવા વિભાગના મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયર નયનાબેન પઢેડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.