થર્ટી ફર્સ્ટની રાત્રે યુવતીની છેડતી-લૂંટ મામલે ચાર ઝડપાયા

રાજકોટ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે ફરવા નીકળેલી એક યુવતી અને તેના મિત્રનું અપહરણ કરી છેડતી અને લૂંટનો બનાવ બનતા ચકચાર મચી હતી. ચાર શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી યુવતી અને તેના મિત્રનું અપહરણ કરી લૂંટ કરી હતી અને બાદમાં પરિવારજનોને ફોન કરી ખંડણી માગી હતી. જો કે, બાદમાં ડર લાગતા ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. જે તમામનો ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરમાં રહેતી એક યુવતી અને તેનો મિત્ર થર્ટી ફર્સ્ટની રાત્રે ફરવા માટે નીકળ્યા હતા. અવધ રોડ પરથી આ યુગલ પસાર થઈ રહ્યું હતુ ત્યારે જ પાછળથી એક વર્ના કાર આવી હતી. જેમાંથી ચાર લોકો નીચે ઉતર્યા હતા. તેઓએ પોલીસ તરીકેની ઓળખ આપી યુવકને કહ્યું હતું કે, આટલી રાત્રે ક્યાં જાવ છો? તારા માતા પિતાને બોલાવ તેમ કહી ફરિયાદી યુવક અને યુવતીને અવાવરું જગ્યાએ લઇ જઈ બાદમાં રૂપિયાની માંગણી કરી હતી. જો કે યુવક પાસે માત્ર 1700 રૂપિયા હોવાથી ફરિયાદી યુવકના પિતાને ફોન કરી ખંડણી માંગવામાં આવી હતી. આ દરમિયાન યુવક સાથે રહેલી યુવતીની છેડતીનો પ્રયાસ પણ કરાયો હતો. દરમિયાન યુવકના પરિવારજનો આવવાના ડરના કારણે ત્યાંથી નાસી છૂટ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *