રાજકોટમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભરત રઘુ કુંગશિયા, તેના ભાઇ ભાવેશ કુંગશિયા સહિતની ટોળકી સામે અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાની કોશિશના બે કેસમાં સેશન્સ કોર્ટે ભરત, તેના ભાઇ ભાવેશ સહિત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તથા પ્રત્યેકને રૂ.2.50-2.50 લાખના દંડનો હુકમ કર્યો હતો. જ્યારે એક આરોપીને શંકાનો લાભ અને અન્ય ત્રણ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા.
પ્રથમ કેસની વિગત એવી છે કે, રાજકોટના ફરિયાદી પ્રવીણભાઇ લુણાગરિયા(ઉ.વ.53) નામના પ્રૌઢ ગત તા.11-11-2013ના રોજ સવારે 8.30 વાગ્યે પોતાના મોટરસાઇકલ પર વાડીએ જતા હતા ત્યારે સાધુ વાસવાણી કુંજ રોડ પર સ્કોર્પિયોમાં ધસી આવેલા આરોપી ભરત રઘુ કુંગશિયા, ગંભીર નાગદાન ડાંગર, રામ દેવશી પીઠિયા અને અન્ય ચાર શખ્સે ફરિયાદીના મોટરસાઇકલને પાછળથી કારની ઠોકર મારીને પછાડી દીધા હતા અને ત્યારબાદ ઘાતક હથિયારો વડે તેમના પર જીવલેણ હુમલો કરી બન્ને પગમાં, હાથની કોણીમાં, આંગળામાં અને માથામાં સખત ઇજાઓ કરી નાસી છૂટ્યા હતા. પોલીસ તપાસ બાદ કેસ ચાલવા પર આવતા ગંભીરભાઇએ બનાવ સમયે પોતે ચોટીલા હોવાનો બચાવ કર્યો હતો. જ્યારે બે આરોપીએ એવો બચાવ કર્યો હતો કે, જે હથિયારો વડે ફરિયાદી હુમલો થયાનું જણાવે છે તે હથિયારથી થઇ શકે તેવી ઇજાઓ મેડિકલ સર્ટિફિકેટમાં નથી. આ કારણે જમીન અંગેની જૂની અદાવત હોવાથી ફરિયાદીએ આરોપીઓના ખોટા નામ લખાવ્યા છે.