શહેરમાં રહેતા યુવકે ખરીદેલી રૂ.40 લાખની કાર તેના ભાગીદાર મિત્રએ ભાવનગરના શખ્સ મારફત મુંબઇના શખ્સને રૂ.6 લાખમાં બારોબાર વેચી દીધી હતી. આ છેતરપિંડીમાં નોટરી સમક્ષ ખોટો વ્યક્તિ હાજર કરી ઓપરેશન પાર પાડ્યું હતું.
ઢેબર રોડ પરની લાલ બહાદુર સોસાયટીમાં રહેતા ક્રિપાલસિંહ મનોહરસિંહ જાડેજા (ઉ.વ.28)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્વામિનારાયણ ચોક પાસેના કૃષ્ણનગરમાં રહેતા તેના મિત્ર કૃણાલ નવીન પાટડિયા, ભાવનગરના ગજેન્દ્રસિંહ વાળા, મુંબઇના ઇમરાન અને નોટરી સમક્ષ ખોટી ઓળખ આપનાર શખ્સના નામ આપ્યા હતા. ક્રિપાલસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2022માં પોતે તથા કૃણાલ અને અન્ય મિત્રો નાનામવા રોડ પર ક્રાઉડ ફન્ડિંગની કંપની ચલાવતા હતા. 7 જૂન 2022ના ક્રિપાલસિંહે પોતાના અંગત ઉપયોગ માટે રૂ.24 લાખની લોનથી કાર ખરીદ કરી હતી અને રૂ.16 લાખ ડાઉન પેમેન્ટ કર્યું હતું. કારનો ઉપયોગ ક્રિપાલસિંહ અને તેનો ભાગીદાર મિત્ર કૃણાલ પાટડિયા બંને કરતા હતા અને અલ્તાફભાઇ પીલુડિયાને ડ્રાઇવર તરીકે રાખ્યા હતા.