રાજકોટ મનપાની 3 કચેરીના મળી 800 ટોકન વહેલા તે પહેલાના ધોરણે અપાશે

રાજકોટ મનપા કચેરીઓમાં આધારકાર્ડની સેવા ખોરવાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. તેમાં પણ રેશનકાર્ડનું ઈકેવાયસીનું ભારણ વધતા એક સપ્તાહથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગતી હતી, જેને પગલે અમુક સમયે તો અફરા-તફરીના દૃશ્યો જોવા મળતા હતા. જોકે, મનપાનાં નવનિયુક્ત કમિશનરે તાજેતરમાં આધારકાર્ડ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્રણેય ઝોન કચેરીઓ ખાતે ટોકન સિસ્ટમ શરૂ કરવા તેમજ અરજદારો માટે મંડપ અને બેસવા સહિતની વ્યવસ્થા કરવા આદેશો આપ્યા હતા. જે અંતર્ગત મનપાની ત્રણ કચેરીઓમાં મળી 20 કીટો કાર્યરત કરવામાં આવી છે. દરરોજ 800 ટોકન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈ અરજદારો જાણે લગ્નમાં આવ્યા હોય તેમ શાંતિથી માંડવા નીચે બેસી આધારકાર્ડની કામગીરી કરાવતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, મનપાના આધારકાર્ડ કેન્દ્રોમાં છેલ્લા ઘણા સમયથી અરજદારોને લાઈનો લાગતા તેમજ રેશનકાર્ડ ઈકેવાયસી અને અપારકાર્ડ માટે પણ આધાર જરૂરી હોવાથી અરજદારોનો ધસારો પણ વધ્યો હતો. આ કારણે અરજદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ અંગે ઉપર સુધી રજૂઆત કરવામાં આવતા મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ આધારકાર્ડ કેન્દ્રની સ્થળ મુલાકાત લીધી હતી અને અરજદારો માટે ત્યાં મંડપ, ખુરશી તેમજ પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરવાનો આદેશ કર્યો હતો. જે અંતર્ગત ડે. કમિશનરે આ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી આધારકાર્ડ કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે તમામ સુવિધાઓ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *