રાજકોટ મહાનગરપાલિકાએ હંગામી ધોરણે સફાઈ કર્મચારીઓની ભરતી કરવા માટે નવા નિયમ જાહેર કર્યા છે. જેને લઈને વિરોધનો ચરુ ઉકળ્યો છે. નિયમમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, જે અરજદારના માતા-પિતા કે દાદા-દાદી મનપામાં સફાઈ કર્મચારી રહી ચૂક્યા છે તે જ ભરતી માટે ઉમેદવારી કરી શકશે. આ કારણે તો ભરતીમાં પરિવારવાદ આવી ગયો જેને લઈને રાજકોટ કામદાર યુનિયન 15 દિવસથી ધરણાં પર બેઠો છે.
વિરોધના ભાગરૂપે સોમવારે આવેદન ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ધરણાં પર બેઠેલા તેમજ અન્ય જાગૃત કામદારોએ પોતપોતાના નામે આવેદનપત્ર લખી મનપાની કચેરીએ કમિશનર બ્રાન્ચમાં આપી તમામ અરજીઓ ઈન્વર્ડ કરાવી હતી. એક જ પ્રકારની માંગ સાથે 350 અરજી આપવામાં આવી હોવાનું યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ જણાવ્યું હતું.