રાજકોટમાં આજે CMએ મંદિરનું કર્યું ખાતમૂહુર્ત

રાજકોટ જિલ્લામાં ખોડલધામ બાદ હવે ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે માઁ ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજના આ કાર્યક્રમ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને એક ટકોર કરતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું અને સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવવા પ્રયત્ન કરો.

ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટ પાસે જશવંતપરા ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાજીના આકાર લઈ રહેલા આ મંદિર-સંકુલ માટે કુલ 32 વીઘા જમીનની ખરીદી કરવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉમિયાધામ મંદિરના બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, હરિભાઈ પટેલ અને કડવા પાટીદાર સમાજની દરેક સંસ્થાના પ્રમુખ હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *