રાજકોટ મનપાનાં શ્વાનની સંખ્યા ઘટવાના દાવા વચ્ચે કરડવાનાં બનાવોમાં 17 ટકાનો વધારો

રાજકોટમાં શ્વાનની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં મોટો ઘટાડો થયો છે. સત્તાવાર આંકડા મુજબ 36 હજારથી ઘટીને 25 હજાર આસપાસ પહોંચી છે. જોકે તેની સામે શ્વાન કરડવાના કેસમાં છેલ્લા એક વર્ષમાં 17% જેટલો વધારો નોંધાયો છે. જેમાં ગતવર્ષ 2022-23માં 10,374 લોકોની સામે 2023-24માં કુલ 12,156 લોકોને શ્વાને બટકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે મનપા તંત્ર દ્વારા શ્વાનનાં ખસીકરણની કામગીરી પણ નિયમિત કરવામાં આવી રહી છે. છેલ્લા વર્ષમાં 8,800થી વધારે શ્વાનોને રસી આપવામાં આવી છે છતાં શ્વાન કરડવાની સંખ્યા વધી છે.

2023-24માં 8,544 શ્વાનોને હડકવા વિરોધી રસી આપી મનપાનાં ANCD વિભાગનાં વડા ઉપેન્દ્ર પટેલે આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23 દરમિયાન ડોગ બાઈટ એટલે કે શ્વાન કરડવાનાં 10,374 કેસ નોંધાયા હતા. તો વર્ષ 2023-24માં 12156 કેસો સામે આવ્યા છે. એટલે કે અંદાજીત 18થી 20% વધારો થયો છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટ મનપા દ્વારા કૂતરાઓને એન્યુઅલી વેક્સિન આપવામાં આવે છે. જેના 6 રાઉન્ડ પૂર્ણ થયા છે અને હાલ 7મો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેમાં આપણે 2023-24માં કુલ 8,544 શ્વાનોને હડકવા વિરોધી રસી આપી છે. તેમજ 3115 શ્વાનોનું ખસીકરણ પણ કરાયું છે. આ સહિતનાં તમામ જરૂરી પ્રયાસો મનપા તંત્ર દ્વારા કરવામાં આવતા હોવાનો દાવો તેમણે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *