શહેરમાં પંચનાથ પ્લોટમાં પંચનાથ હોસ્પિટલમાં ચોથા માળે રેસ્ટ રૂમમાં યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે એ.ડિવિઝન પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા મથામણ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતો કુલદીપ રાજેશભાઇ વાઘેલા (ઉ.20) એ પંચનાથ હોસ્પિટલમાં ચોથા માળે રૂમમાં પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે એ.ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી. ડાંગી સહિતે મૃતદેહ પાેસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક કુલદીપ હોસ્પિટલમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હોવાનું અને કામ પૂર્ણ કરી ચોથા માળે રેસ્ટ માટે ગયો હતો. દરમિયાન અન્ય કર્મચારીએ ફોન કરતા ફોન ઉપડ્યો ન હોય તપાસ કરતાં યુવકનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. પોલીસની વિશેષ તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો હોવાનું અને અપરિણીત હોવાનું પરિવારે જણાવતા પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.