રાજકોટમાં બુધવારે કોલ્ડવેવ જોવા મળ્યો હતો. પહેલીવાર સિઝનનું તાપમાન 9.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ ઠંડીનું જોર રહેશે. ત્યારબાદ ઠંડીમાં થોડી આંશિક રાહત મળશે. જ્યારે 17 ડિસેમ્બર બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. બુધવારે ઠંડીની સાથે પવનનું જોર પણ રહ્યું હતું.જેને કારણે આખો દિવસ ઠંડી અનુભવાઇ હતી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ-કશ્મીર અને ઉત્તરાખંડમાં થયેલી હિમવર્ષાની અસરને કારણે ઠંડીનું જોર અચાનક વધી ગયું હતું. સાથોસાથ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા હતા. ઠંડીને કારણે વહેલી સવારે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને મોર્નિંગ વોકમાં નીકળતા લોકો શાલ-સ્વેટરનો સહારો લીધો હતો. આખો દિવસ ઠંડીનું જોર રહ્યું હતું. જ્યારે બપોરે મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું અને પવન ઝડપ વધીને 12 કિલોમીટર થઇ હતી. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.