દેશમાંથી બાળલકવાની નાબૂદી કરવા માટે બાળલકવા નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા.8 ડિસેમ્બર, 2024ના રોજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 1.61 લાખથી વધુ બાળકોને દો બૂંદ જિંદગી કે અપાયા હતા. આ તકે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોખડદડના આયુષ્માન આરોગ્ય મંદિર વીરડાવાજડી પોલિયો બુથ, સરપદડ પોલિયો બુથ, મોવિયા પોલિયો બુથ, ધોળીધાર પોલિયો બુથ સહિતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ પોલીયો નાબૂદી અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્યના પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને પોલીયો વિરોધી રસી આપવાનું આયોજન કરાયું હતું. રાજકોટ જિલ્લાના 5 વર્ષથી ઓછી ઉંમરના 1,88,557 બાળકોને રસી આપવા માટે 926 રસીકરણ બુથ અને 1741 રસીકરણ ટીમો કાર્યરત છે. આ કામગીરી આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકો કરી રહ્યાં છે. 187 સુપરવાઈઝરો સુપરવિઝન કરી રહ્યા છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે 230 મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન જેવી જાહેર જગ્યાઓ માટે 46 ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.