જંત્રીના ભાવવધારાના વિરોધમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન મેદાનમાં આવ્યું છે. નવા જંત્રી દરનો વિરોધ કરવા માટે સોમવારે રાજકોટના બિલ્ડરો રેલી કાઢશે અને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપશે. હાલમાં વાંધા સૂચનો સાંભળવા માટેની અરજીની મુદતમાં વધારો કરવા, વાંધા સૂચનની અરજી ઓફલાઈન સ્વીકારવા અને વાંધા સૂચન સાંભળ્યા બાદ પહેલી એપ્રિલથી નવો જંત્રી દર લાગુ કરવા માટેની માગણી કરવામાં આવી છે. તેમ રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું છે.
હાલ વાંધા અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવે છે. જેમાં નેટવર્ક ઇસ્યૂ ઉપરાંત સમયસર ઓટીપી નહિ મળવાની સમસ્યા ઊઠી છે. એ સિવાય વાંધા અરજી સ્વીકારવાની સત્તા અમુક જ અધિકારીઓને આપવામાં આવી છે. તેના નિયમોમાં પણ સુધારો કરવો જોઈએ. વાંધા અરજી સાંભળવાની અંતિમ મુદત 20 ડિસેમ્બર છે. તેની મુદતમાં વધારો કરી દેવામાં આવે અને સમયમર્યાદા 90 દિવસની રાખવી જોઈએ. જંત્રી દરમાં અસહ્ય ભાવવધારાને કારણે બાંધકામ ઉદ્યોગને આર્થિક ફટકો પડશે તેની સાથે સાથે ગ્રાહકોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. જંત્રીને લીધે નવી શરતની જમીન બિનખેતી કરવા માટે ભરવું પડતું પ્રીમિયમનો બોજો, નવી જંત્રીને લીધે પેડ એફ.એસ.આઈ. ની રકમમાં અવાતો અસહ્ય વધારો, દસ્તાવેજો માટે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યૂટીમાં વધારો તેમજ જીએસટીની રકમમાં વધારો થાય આ તમામની મોટી અસર સામાન્ય નાગરિક દ્વારા ખરીદ કરવામાં આવતા ફ્લેટ અથવા તો ટેનામેન્ટની કિંમત ઉપર સીધી જ અસર પડે છે.