સગીરાના અપહરણ બાદ દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારાઇ

રાજકોટની 17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખસને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. મહંમદ તોફીક ઉર્ફે સિકંદરે પ્રથમ સગીરાને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ તરૂણીને ખબર પડી કે આરોપી પરિણીત છે અને તેને બાળક પણ છે. કોર્ટે ગુનાની ગંભીરતા સમજી ભોગ બનનારને સરકારમાંથી 7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે અને આરોપીને 14 હજારનો દંડ ફટકાર્યો છે.

4 મહિના બાદ આરોપીની ધરપકડ કરાઈ મૂળ મહેસાણા જિલ્લામાં વસતો પરિવાર રાજકોટ ખાતે આવી રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો. પરિવારની સગીર દીકરીને મોરબી રોડ પર રહેતો મૂળ બિહારનો આરોપી મહંમદ તોફીક ઉર્ફે સિકંદર મહંમદ અનવર અપહરણ કરી ભગાડી ગયો હતો. જે અનુસંધાને તા.27.12.2021ના રોજ સગીરાના પિતાએ બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ઉપાડી ગયેલ હોવાની ફરિયાદના આધારે આશરે 4 મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

જજ સમક્ષ આપેલ નિવેદનને ધ્યાને લેવામાં આવ્યું આરોપીની ધરપકડ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, આરોપી ભોગ બનનારને ફોસલાવીને અલગ-અલગ રાજ્યમાં લઇ ગયેલો અને આ સમયગાળા દરમ્યાન તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચરવામાં આવેલું હતું. ત્યારબાદ ભોગ બનનારને ખબર પડેલ કે, આરોપી પરિણીત છે અને તેને બાળક પણ છે. જેથી, આરોપીએ પોતાને ફોસલાવીને આવું ગંભીર કૃત્ય આચરેલ હોવાની ભોગ બનનારને જાણ થઈ અને આ હકીકત પોલીસને જણાવવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ભોગ બનનારે મેડીકલ ઓફિસર સમક્ષ જણાવેલ હકીકત તેમજ જજ સમક્ષ આપેલ નિવેદનને ધ્યાને લેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *