ગોંડલના ગુંદાળા રોડ વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના 14 ફ્લેટમાંથી 7 ફ્લેટમાં ગંગોત્રી સ્કૂલના સંચાલકોએ ગેરકાયદે હોસ્ટેલ શરૂ કરી દીધી છે અને તેમાં 140 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહે છે. અહીં ફાયર સેફ્ટીના નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો છે. હોસ્ટેલમાં રહેતા બાળકો પર જોખમ ઝળુંબી રહ્યું છે છતાં કલેક્ટર તંત્ર હોસ્ટેલ સંચાલકોની લાજ કાઢી રહ્યું છે.
સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.303માં રહેતા જયદીપભાઇ પરડવાએ જણાવ્યું હતું કે, એપાર્ટમેન્ટની નજીકમાં આવેલી ગંગોત્રી સ્કૂલના સંચાલક સંદીપ છોટાળાએ એપાર્ટમેન્ટમાં તેમના સંબંધીઓને ફ્લેટ લેવડાવી હોસ્ટેલ શરૂ કરી દીધી છે. રહેણાકની જગ્યા પર હોસ્ટેલ શરૂ થતાં કેટલીક દુર્ઘટના ડોકા કાઢી રહી છે, પરંતુ હોસ્ટેલના સંચાલકોને માત્ર નાણાં કમાવવા પૂરતો જ રસ હોય તેમ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા નથી. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મેસ શરૂ કરી દેવાયું છે જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઅો ઉપરાંત ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળી કુલ 400 જેટલા લોકો દરરોજ ભોજન કરે છે.