બેટરીની કિંમતો બે વર્ષમાં 50 ટકા સુધી ઘટવાના અણસાર

દેશમાં આગામી બે વર્ષમાં ઇવીની કિંમતો ખૂબ જ ઓછી થઇ જશે. વર્ષ 2026 સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી)ની બેટરીની કિંમતો વર્ષ 2023ની તુલનાએ ઘટીને અડધી થઇ શકે છે. ઇવીના મેન્યુફેક્ચરિંગના કુલ ખર્ચમાં બેટરીનો હિસ્સો 28-30% હોય છે.

ગોલ્ડમેન સાક્સના એક સ્ટડી રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં વિશ્વભરમાં ઇવી બેટરીની સરેરાશ કિંમત $153 (અંદાજે રૂ.13 હજાર) પ્રતિ કિલોવૉટ હતી. વર્ષ 2023માં તેની કિંમત $149 (રૂ.12,500) પ્રતિ કિલોવોટ રહી ગઇ છે. કિંમતો સતત ઘટી રહી છે અને વર્ષ 2026 સુધી કિંમતો વધુ ઘટીને $80 (અંદાજે રૂ.6,700) પ્રતિ કિલોવોટ રહેવાનો અણસાર છે.

વર્ષ 2022ની તુલનામાં તે લગભગ 50% ઓછી છે. રિપોર્ટ અનુસાર બેટરીની કિંમતો આ સ્તર પર આવ્યા બાદ ઇલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ કારને બરાબર થઇ જશે.

દેશમાં ઇવીને સ્પર્ધાત્મક બનાવી રાખવા માટે બેટરી અને ચાર્જિંગ સેવાઓ પર જીએસટી ઘટાડવાની જરૂર છે. સાથે જ, ઇવીનું વેચાણ વધારવા માટે પીએમ ઇ-ડ્રાઇવ ફંડને પણ વધારવાની જરૂરિયાત છે. ફિક્કી ઇલેક્ટ્રિક વ્હીકલ કમિટીની ચેરપર્સન સુલાજ્જા ફિરોદિયા મોટવાણીએ ફિક્કીના રાષ્ટ્રીય સંમેલન દરમિયાન સરકાર સમક્ષ આ માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ચાર્જિંગ સેવાઓ પર 18% જીએસટી છે. તેને અમે ઘટાડીને 5% કરવાનો અનુરોધ કરીએ છીએ. જેથી કરીને ગ્રાહકો માટે ચાર્જિંગ સેવા વધુ કિફાયતી બની શકે. તે ઉપરાંત બેટરી પર જીએસટી પણ 18%થી ઘટાડીને 5% કરવાની ભલામણ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *