યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને તેમના અંડરગ્રેજ્યુએટ સ્તરના અભ્યાસક્રમો સમય કરતાં પહેલાં પૂર્ણ કરવાની મંજૂરી આપવા વિચારણા કરી રહ્યું છે. નવી સ્કીમ મુજબ ત્રણ વર્ષનો ગ્રેજ્યુએટ (ડિગ્રી) કોર્સ અઢી વર્ષમાં પૂરો થશે. ચાર વર્ષનો કોર્સ ત્રણ વર્ષમાં પૂરો કરવાનો વિકલ્પ હશે. એટલું જ નહીં, ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી લંબાવવાનો વિકલ્પ પણ મળશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020 હેઠળ અંડરગ્રેજ્યુએટ સ્તરના અભ્યાસક્રમને અપગ્રેડ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ત્રણ વર્ષનો સ્નાતક સ્તરનો અભ્યાસક્રમ ચાર વર્ષનો કરવામાં આવ્યો હતો. હવે નવી સ્કીમથી વિદ્યાર્થીઓને સમય પહેલાં અભ્યાસ પૂર્ણ કરવાની તક મળશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઝડપથી શીખવાની અને સમજવાની ક્ષમતા ધરાવતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે.
જો કોઈ વિદ્યાર્થી તેની ડિગ્રી છ મહિના અથવા એક વર્ષ વહેલાં પૂર્ણ કરવા માગે છે, તો તે આમ કરી શકશે. ડિગ્રી કોર્સમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટની જોગવાઈ કરવામાં આવી છે. હાલ યુનિવર્સિટીઓમાં NEP-2020 મુજબ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓએ સ્નાતકના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે તેઓ માત્ર એક વર્ષમાં પીજીનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.