રાજકોટનાં મોટામૌવા, વાવડી અને મુંજકા સહિતનાં વિસ્તારોમાં નવા રસ્તા બનાવવા કવાયત

રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારો જેવા કે વાવડી, મોટા મૌવા, મુંજકામાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. આ કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, હવે આ વિસ્તારોની સુવિધામાં વધારો કરવા માટે મનપા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં નવા ભળેલા આ તમામ વિસ્તારોમાં નવા રસ્તાનાં કામો કરવા માટે મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને આ માટે રૂ. 39 કરોડથી વધુના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે ત્યારે ટૂંક સમયમાં તમામ વિસ્તારોમાં રસ્તાનાં કામો શરૂ થશે.

પ્રાપ્ત વિગત મુજબ વેસ્ટઝોનમાં નવા ભળેલા સહિતના વિસ્તારો માટે પેવર કાર્પેટ અને રી-કાર્પેટના રૂ. 39.47 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. રાજકોટના વોર્ડ નં. 1, 8, 9, 10, 11, 12ના હાલના અને દૂરદૂરના વિસ્તારોમાં પ્રથમ વખત ડામર કામ કરવામાં આવશે. જેમાં મોટામૌવા, મુંજકા, વાવડી અને મવડી સહિતનાં વિસ્તારોમાં નવા ડામર કામ કરવામાં આવનાર છે. આ ચોમાસામાં ડામર રોડને મોટુ નુકસાન થતા હજુ રીપેરીંગ ચાલી રહ્યા છે. જ્યારે શહેરના છેવાડાના વિસ્તારમાં નવી સોસાયટી અને નવા વિસ્તારોમાં પેવર રોડની જરૂરીયાત પરથી મહાનગરપાલિકાએ વેસ્ટઝોનના 6 વોર્ડમાં પેવર કાર્પેટ અને રિકાર્પેટ સહિતના કામો માટે રૂપિયા 39.47 કરોડનાં ટેન્ડર બહાર પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *