B.A., B.Com., M.A., M.Com એક્સટર્નલમાં એડમિશન માટેની પ્રક્રીયા ઓગસ્ટને બદલે નવેમ્બર સુધી શરૂ ન થતા 4,000 વિદ્યાર્થીને પરેશાની!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલનો અભ્યાસ કરવા માટે 4,000થી વધુ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. તેવામાં દર વર્ષે ઓગસ્ટ મહિનામાં થઈ જતી એક્સટર્નલમાં પ્રવેશની પ્રક્રિયા નવેમ્બરના 13 દિવસ બાદ પણ શરૂ થઈ શકી નથી. આ અંગે ખુલાસો એ થયો છે કે, કોમન એકટના સ્ટેચ્યુટમાં એક્સટર્નલની ડિગ્રી જ નથી તેમાં ડિસ્ટન્સ એજ્યુકેશનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને કારણે GCASમાં પણ રજીસ્ટ્રેશન થઇ શકતું નથી અને તેથી જ હવે સૌ પ્રથમ એક્સટર્નલની ડિગ્રી ઉમેરવા માટે પત્ર લખવામાં આવશે અને ત્યારબાદ પ્રક્રિયા શરૂ થશે તેવું ઇન્ચાર્જ રજીસ્ટ્રાર પરમાર જણાવી રહ્યા છે.

આ માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ પણ મૌખિક મંજૂરી માંગવામાં આવી છે. જ્યારે ઇન્ચાર્જ કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે, આ મુદ્દો આગામી સમયમાં મળનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એજન્ડા સ્વરૂપે લેવામાં આવશે, જો મંજૂરી નહીં મળે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપનાકાળથી એટલે કે, વર્ષ 1972થી ચાલતો એક્સટર્નલ અભ્યાસક્રમ બંધ થઈ જશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. રમેશ પરમારે જણાવ્યું હતું કે, GCAS પોર્ટલ ઉપર એક્સટર્નલ અભ્યાસક્રમની ડિગ્રી નથી. જેથી આ ડિગ્રી GCASમાં ઉમેરવા માટે એક માસ પહેલા મળેલી ઉચ્ચ શિક્ષણ કમિશનર દિનેશ રમેશ ગુરવની મળેલી વીડિયો કોન્ફરન્સ દરમિયાન મૌખિક વાત કરવામાં આવી હતી. ત્યારબાદ એક્સટર્નલમાં બી. એ., બી.કોમ., એમ. એ. તેમજ એમ. કોમ.માં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં અભ્યાસ કરતા હોય છે તે અંગે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે એક્સટર્નલમાં 4,000 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *