રાજકોટ શહેરના વોર્ડ નં.7માં આવેલ યાજ્ઞિક રોડ ટચ સર્વેશ્વર ચોક ખાતેનાં વોંકળા પર રૂ. 4.91 કરોડના ખર્ચે નવો સ્લેબ (નવો વોંકળો) બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મેહુલ્સ કીચનથી યાજ્ઞિક રોડ ક્રોસ કરીને ખુણામાં આવેલ નાગરિક બેંકના કોર્નર સુધી નવો વિશાળ પાઇપ નવા રૂટ પર પાથરવામાં આવશે. તેમજ આ વોકળો અન્ય કોઈ બિલ્ડિંગને ટચ થાય નહીં તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે. જોકે આ માટે ત્રણેક મહિના બાદ ડો.યાજ્ઞિક રોડ પણ બે મહિના માટે બંધ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ, ગત વર્ષે ચોકના વોંકળાનો સ્લેબ તૂટી જતા સર્જાયેલી દુર્ઘટના બાદ તેને લાગુ શિવમ-1 અને 2 બિલ્ડિંગ બંધ કરાયા હતા. સલામતીના પગલા બાદ તાજેતરમાં બંને બિલ્ડિંગ ખોલવા મંજૂરી અપાઇ હતી. હવે ભવિષ્યમાં બિલ્ડિંગને કોઇ ટચ થાય તે માટે નવા વોંકળાનો રૂટ ચોકના બિલ્ડિંગથી એલજી શોરૂમના રસ્તેથી યાજ્ઞિક રોડ ક્રોસ કરી જુની નાગરિક બેંક સુધી લઇ જવાનો છે. આ માટે રૂ. 4.91 કરોડ મંજૂર કરાયા છે. ચોકમાં સાડા ત્રણ માસ સુધી કામ ચાલશે. તે બાદ યાજ્ઞિક રોડ હેઠળથી પાઇપલાઇન ક્રોસ કરવા બે મહિના સુધી આ મુખ્ય રોડ બંધ કરવામાં આવશે અને કુલ 18 માસમાં આ કામ પુરૂ થશે.