2 વર્ષ પૂરા કરનાર શિક્ષણ સહાયક જ જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશે

સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક-મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે આ અંગે સત્તાવાર પોસ્ટ મૂકીને જાહેરાત કરી છે. આ નિયમોમાં શિક્ષણ સહાયક-મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય તેઓને જિલ્લા ફેરબદલી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેરબદલી ઓનલાઇન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. શિક્ષણ સહાયક-મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે.

અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્યકક્ષાની વિભાગ-વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળ્યેથી આખરી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મુજબ જિલ્લા ફેરબદલીના હુકમો ઓનલાઇન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક-મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઇન અપલોડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક-મદદનીશ શિક્ષકને બે વાર મળવાપાત્ર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *