સરકારી ઇજનેરી કોલેજ રાજકોટ ખાતે તા.13 નવેમ્બરના રોજ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) અને નેટ ઝીરો રેડીનેસ અંગે વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપમાં નિષ્ણાત તરીકે આઈ.આઇ.ટી, ગોવાના પ્રોફેસર(રિટાયર્ડ આઇ.એ.એસ) સુદીપ કે નાયક પોતાનું વક્તવ્ય રજૂ કરશે.
એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો વૈશ્વિક અર્થતંત્રના વિકાસમાં મુખ્ય ભાગ ભજવે છે. ભારત દેશના અર્થતંત્રમાં પણ એમએસએમઈ 30 ટકા જેટલો ભાગ ભજવે છે જેની સામે આ સેક્ટર લગભગ 110 મિલિયન ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે. આથી ભારતની નેટ ઝીરો પોલિસી 2070 ને સફળ બનાવવા માટે એમએસએમઈ અગત્યનો ભાગ ભજવે છે. આ વર્કશોપ માટે એમએસએમઈ ઉદ્યોગો સાથે સંકળાયેલા નિષ્ણાતોને આમંત્રણ અપાયું છે. વર્કશોપ દરમિયાન નિષ્ણાત દ્વારા ઉદ્યોગોને કાર્બન ઉત્સર્જન અંતર્ગત વધારે કાર્યક્ષમ બનાવવા માર્ગદર્શન અપાશે. આ નેટ ઝીરો પ્રોસેસ ને અમલમાં મૂકવાથી ઉદ્યોગો પોતાના પ્રોડક્ટને વધારે પર્યાવરણ અનુકૂળ બનાવી શકે છે તથા યુરોપ અને અમેરિકા દ્વારા માન્ય સ્ટાન્ડર્ડ મુજબ ખરા ઉતરી શકે છે.