નેપાળ બોર્ડર નજીકથી ખરીદેલા 3.13 લાખના હેરોઇન સાથે શખ્સ ઝડપાયો

શહેરના રામાપીર ચોકડીના પુલ નીચેથી એસઓજીની ટીમે લાભદીપ સોસાયટીના શખ્સને રૂ.3.13 લાખના હેરોઇનના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલો શખ્સ ઉત્તર પ્રદેશમાં નેપાળ બોર્ડર નજીકના ગામમાંથી હેરોઇનનો જથ્થો લઇ આવ્યો હતો અને રાજકોટમાં નેપાળી શખ્સ મારફત માદક પદાર્થના વેચાણનું નેટવર્ક ધરાવતો હતો. પોલીસે સ્થાનિક નેપાળી શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

રામાપીર ચોકડી પાસેની લાભદીપ સોસાયટીમાં રહેતા કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.39) પાસે માદક પદાર્થનો જથ્થો હોવાની અને માદક પદાર્થ સાથે તે રામાપીર ચોકડીના પુલ નીચે ઊભો હોવાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ કામળિયા, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ બાળા, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે કેતન ઉધાસને સકંજામાં લઇ તલાશી લેતા તેના જીન્સ પેન્ટ પાછળના ખિસ્સામાંથી પડીકું મળી આવ્યું હતું અને તે પડીકામાંથી રૂ.3,13,600ની કિંમતનો 62.72 ગ્રામ હેરોઇન-બ્રાઉન સુગરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હેરોઇન અને મોબાઇલ સહિત કુલ રૂ.3,24,900નો મુદ્દામાલ જપ્ત કરી કેતન ઉધાસની ધરપકડ કરી હતી. કેતન અગાઉ પણ માદક પદાર્થની પાંચેક વખત ખેપ મારી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *