રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના CCDC (કેરિયર કાઉન્સિલ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર)માં GPSC ક્લાસ 1, 2, 3; પોલીસ, બેંક, રેલવેની ભરતી સહિત અધ્યાપક બનવા માટેની GSET-NETના રૂ. 1,000ના રાહત દરે કોચિંગ ચલાવવામાં આવે છે. UPSC ભવનમાં 4 વર્ષમાં 600થી વધુ વિદ્યાર્થીએ IAS-IPSની તાલીમ લીઘી છે. આ સેન્ટરના 21 વિદ્યાર્થીએ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી તો 3 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે. હાલમાં CCDCમાંથી તાલીમ લઈને 90 વિદ્યાર્થીઓ ગુજરાત-ભારત સરકારના અલગ-અલગ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. CCDCમાં તાલીમ મેળવી 3500 યુવક-યુવતીએ સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર કર્યુ છે. CCDCની યુ-ટ્યૂબ ચેનલ સાથે 18,000થી વધુ વિદ્યાર્થી જોડાયેલા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને CCDCના સંયોજક ડૉ. નિકેશ શાહે જણાવ્યું હતું કે, CCDCની શરૂઆત વર્ષ 2006માં થઈ ત્યારે ડૉ. કનુભાઈ માવાણી કુલપતિ હતા. રોજગારી અને સરકારી નોકરી મળે તે માટે માર્ગદર્શન આપવાના હેતુથી સીસીડીસીની શરૂઆત કરવામાં આવી હતી. જીપીએસસીની ક્લાસ 1, 2 અને 3, પોલીસ ઇન્સ્પેક્ટર, PSI, ASI ઉપરાંત કેન્દ્ર સરકારની IBPS, SBI બેંક, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, સ્ટાફ સિલેક્શન સહિતની પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ CCDCમાં કરાવવામાં આવે છે. દર વર્ષે ઓફ્લાઇન એટલે કે, ક્લાસ રૂમ ટિચિંગ તેમજ ઓનલાઇન અભ્યાસનો 50,000 જેટલા વિદ્યાર્થીઓ CCDCનો લાભ લઇ રહ્યા છે. હું વર્ષ 2013થી કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું. 10 વર્ષમાં 5 લાખ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવી ચૂક્યું છે.