ધોરાજી જાણે સૌરાષ્ટ્રનું શિવાકાશી બની ગયું છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો ફટાકડા ખરીદવા ધોરાજી પહોંચી રહ્યા છે. અહીંની ખાસ બાબત એ છે કે વિવિધ સંસ્થાઓ એક જ પ્લેટફોર્મ પર આવીને ફટાકડા વેચે અને તેમાંથી થતી આવક સત્કાર્યો માટે વાપરવામાં આવી રહી છે. ધોરાજીની સામાજીક સંસ્થાઓના પ્રયાસોથી આજે ધોરાજી શહેર સમગ્ર સૌરાષ્ટ્રમા ફટાકડા વેચાણ માટેનું હબ બની ઉભરી આવ્યું છે.
ધોરાજીમાં માધવ ગૌસેવા ટ્રસ્ટ, તેમજ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ વિગેરે સંસ્થાઓ દ્વારા ગૌશાળા, અને સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ માટે ભંડોળ એકત્ર કરવા ફંડ ફાળો ન કરવો પડે અને કોઈની સામે હાથ લાંબો કરવાને બદલે ફટાકડા બનાવતી કંપનીઓ પાસેથી સીધી જ ખરીદી કરી ગ્રાહકોને તદન રાહતદરે ફટાકડાનું વેચાણ કરી જે નફાની રકમ મળે તેને રાષ્ટ્રીય આપદા, સમયે, મેડિકલ કેમ્પ માટે, ગૌ માતાની સેવા માટે, ધાર્મિક કાર્યો માટે વાપરવામાં આવે છે.
ધોરાજીમાં ફટાકડાના શોખીનો દ્વારકા,ભુજ કચ્છ સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ પોરબંદર વેરાવળ સુરેન્દ્રનગર સહિતનાં જિલ્લા સૌરાષ્ટ્ર ભર માંથી ભારે ધસારો રહે છે. ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર માધવ ગૌસેવા ટ્રસ્ટ તેમજ કુંભારવાડામાં આવેલ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત ભાવે ફટાકડા નું વિતરણ શરૂ કરવામાં આવે છે ત્યારે જ સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો ફટાકડા લેવા માટે ધોરાજી એટલે શિવાકાશી ગણીને અહીં લાઈનમાં ઊભા રહીને ફટાકડા લેવા માટે આવે છે.