ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12નું વિષય માળખું જાહેર કરાયું છે. ધોરણ 12 કોમર્સમાં 7 અને ધોરણ 9 માટે 10 તેમજ સાયન્સ માટે 5 વિષય નક્કી કરવામાં આવ્યા છે. સાયન્સમાં A, B અને AB ગ્રૂપના વિષય પણ જાહેર કર્યા છે. ધોરણ 9માં ભાષાના 4 વિષય અને ધોરણ 10માં ભાષાના 3 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોરણ-10માં 7 વિષય ફરજિયાત લેવાના રહેશે.
ધો. 9 માટે 10 વિષય ફરજિયાત કરાયા છે. જેમાં જૂથ-1માં પ્રથમ ભાષા વિષય રહેશે. જૂથ-2માં ગુજરાતી દ્વિતીય ભાષા, અંગ્રેજી દ્વિતીય ભાષા, હિન્દી તથા સંસ્કૃત, ઉર્દૂ, ફારસી, અરબી, સિંધીમાંથી 3 પસંદ કરવાની રહેશે. જૂથ-3માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ફરજિયાત રહેશે. જૂથ-4માં કાર્યશિક્ષણના વિષયો, સામાન્ય શાળા માટે 4 ગ્રૂપમાંથી 3 વિષય પસંદ કરવાના રહેશે.
ધો.10માં જૂથ-1માં 9 ભાષામાંથી કોઈ પણ એક પ્રથમ ભાષા ફરજિયાત રહેશે. આ સાથે 3 વિષય ફરજિયાત રહેશે, જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત સ્ટાન્ડર્ડ કે બેઝિક હશે. આમ, જૂથ-1માં ફરજિયાત વિષયોમાંથી 6ની પસંદગી કરવાની રહેશે. જ્યારે જૂથ-2 મરજિયાત વિષયો રહેશે. જેમાં ધોરણ-9માં શિખ્યા હોય તેવા જૂથનો એક વિષય લઈ શકશે. સામાન્ય શાળા માટે 9 વિષય, વાણિજ્ય માટે 3 વિષય, ટેક્નિકલ માટે 3 વિષય અને ઉત્તર બુનિયાદી માટે 3 વિષય પૈકી ગમે તે એક પસંદ કરવાનો રહેશે.