રાજકોટની પારડી PGVCL ખાતે કચેરી સમય દરમિયાન ચાલી રહેલી સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવતા ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના ઘરે ભૂદેવ સેવા સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા તેમના ઘર પર ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને જયંત પંડ્યા હાય હાયના નારા લગાવ્યા હતા. સાથે જ જાથા નામની સંસ્થા તોડબાજી કરતી હોવાના આક્ષેપો કરાયા હતા. આ બાબતે વડાપ્રધાન સુધી લેખિત રજૂઆત કરવા માટે એલાન કરાયું હતું. દરમિયાન અધૂરી રહેલી સત્યનારાયણ ભગવાનની કથા આવતીકાલે સાંજે જયંત પંડ્યાના ઘર બહાર જ કરવામાં આવશે તેવું એલાન થયું હતું.
થોડા દિવસ પહેલાં રાજકોટના પારડી ખાતે આવેલી પીજીવીસીએલની કચેરી ખાતે ભારતીય જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પહોંચ્યા હતા અને ચાલુ કચેરીએ યોજવામાં આવી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાને બંધ કરાવી હતી. જે બાદ બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દરમિયાન આજે ભૂદેવ સેવા સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંગે ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ દાનવના ઘરને શુદ્ધિકરણ કરવા માટે આવ્યા હતા. જેમાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શ્લોકના ઉચ્ચારણ સાથે ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો કારણકે માનવનું ઘર શુદ્ધ ન હોઈ શકે.