હરણી બોટકાંડ બાદ ગુજરાત સરકારે બોટિંગ અને વોટર સ્પોર્ટસ એક્ટિવિટી માટે તાજેતરમાં નવા ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નિયમો-2024ને મંજૂરી આપી છે ત્યારે આ નવા નિયમોની તાત્કાલિક અમલવારી મુશ્કેલ હોય દિવાળીના તહેવારોમાં રંગીલા રાજકોટવાસીઓને ઇશ્વરિયા પાર્કમાં બોટિંગની મજા માણવા નહીં મળે તેમ જાણવા મળે છે.
રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચાંદની પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે બોટિંગ માટેના નવા નિયમો જાહેર કર્યા છે જે મુજબ ઇશ્વરિયા પાર્કની બોટની ફિટનેશ ચકાસવાની બાકી છે. આ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને જાણ કરાશે અને તેઓ દ્વારા બોટની ફિટનેશ ચકાસી આપવામાં આવશે ત્યારબાદ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ બોટિંગ ચાલુ કરવા અંગે નિર્ણય લેવાશે. હાલમાં દિવાળીના તહેવારોમાં બોટિંગ ચાલુ કરવું શક્ય નથી તેથી ચાલુ કરવામાં આવશે નહીં. જ્યારે સોમવારે ઇશ્વરિયા પાર્કમાં રજા હોય છે ત્યારે તહેવારોમાં સોમવારે ઇશ્વરિયા પાર્ક ચાલુ રાખવા અંગે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇશ્વરિયા પાર્કમાં દર વર્ષે દિવાળીના તહેવારોમાં હજારો લોકો ફરવા આવતા હોય છે અને બોટિંગની મજા માણતા હોય છે, પરંતુ હરણી બોટકાંડની દુર્ઘટના બાદ ઇશ્વરિયા પાર્ક ખાતે બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા નિયમો બનાવાયા હતા જે અમલ તાત્કાલિક થઈ શકે તેમ નથી.