દિવાળીનો તહેવાર નજીક આવે એટલે રાજકોટની સોનીબજારમાં ચમક વધી જતી હોય છે. આજના પુષ્ય નક્ષત્રમાં ખાસ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવા બજારમાં પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે સોનાનો ભાવ ઓલટાઇમ હાઈ હોવાથી રાજકોટની સોની બજરમાં ગત વર્ષ કરતા 25થી 30% ઓછી ઘરાકી જોવા મળી રહી છે. સામાન્ય રીતે સવારે બજારમાં દુકાન અને શોરૂમ ખુલતાની સાથે જ ખરીદીનો પ્રારંભ થઇ જતો હોય છે અને મોડીરાત સુધી ખરીદી ચાલુ રહેતી હોય છે જેની સામે આજે ધીમે ધીમે બજારમાં સોનાની ખરીદી જોવા મળી રહી છે કોઈ લોકો માત્ર શુકન સાચવવા તો કોઈ લગ્નસરાની સીઝનમાં જરૂરી સોનાની ખરીદી માટે બજારમાં આવી રહ્યા છે.
છેલ્લા એક સપ્તાહથી સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઈ પર જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં પ્રખ્યાત રાજકોટની સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળતો હતો. આજે ગુરુ પુષ્ય નક્ષત્રનો દિવસ છે એટલે આજના દિવસે લોકો રાજકોટની સોની બજારમાં નાની મોટી ખરીદી કરી શુકન સાચવવા પહોંચતા હોય છે. અમે તેના કારણે રાજકોટ સોની બજારમાં છેલ્લા એક સપ્તાહની અંદર આજે ચમક વધી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુપુષ્ય નક્ષત્રમાં લોકો મન મૂકી સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. પણ આજે આ ખરીદી લગભગ 30% ઓછી થતી હોવાનું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે.