રાજકોટ સહિત રાજ્યની 15 સરકારી કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય મૂકવા કવાયત

રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગત 16મી તારીખે સરકારી કોલેજમાં ફરજ બજાવતા 38 જેટલા પ્રિન્સિપાલની બદલીના આદેશ કરાયા હતા. ત્યારબાદ રાજકોટની એ.એમ.પી.લો કોલેજ સહિત રાજ્યની 15 જેટલી સરકારી કોલેજમાં આચાર્યોની જગ્યા ખાલી હોય તેના ઉપર સિનિયર અધ્યાપકોને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવવા ઉચ્ચ શિક્ષણ વિભાગે કવાયત આદરી છે અને તેના માટે તમામ સરકારી કોલેજના આચાર્યો પાસે તેમની કોલેજના સિનિયર અધ્યાપકોની વિગતો માગી છે. દિવાળીના તહેવારો ટાંકણે જ ઉચ્ચ શિક્ષણ વિભાગે બદલીના આદેશ બાદ હવે ઇન્ચાર્જ આચાર્યોની નિમણૂકની કવાયત હાથ ધરતા બદલી ન ઇચ્છતા સિનિયર અધ્યાપકો ચિંતાતુર બન્યા છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગે ગત 16મીએ આચાર્યોની બદલીના આદેશ કર્યા બાદ 15 સરકારી કોલેજોમાં વહીવટી તેમજ નાણાકીય સંચાલન માટે સત્વરે ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક કરવાની હોવાથી તા.17મીએ વધુ એક પરિપત્ર જારી કર્યો હતો જેમાં તમામ સરકારી કોલેજોના આચાર્યો પાસેથી તેમની કોલેજમાં ફરજ બજાવતા સિનિયર અધ્યાપકોની માહિતી મગાવી હતી. આ માહિતી સાથે એક પત્રક જોડવા ઉચ્ચ શિક્ષણ વિભાગે તાકીદ કરી હતી અને આ પત્રકમાં સિનિયર પ્રાધ્યાપકનું નામ, વિષય, સંપર્ક, નિમણૂક તારીખ, હાલની કોલેજમાં હાજર તારીખ, વય નિવૃત્તિની તારીખ, વિકલાંગ હા કે ના, પીએચ.ડી. હા કે ના અને રિમાર્કસનું કોલમ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *