રાજકોટ શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં થતી ટ્રાફિક સમસ્યા નિવારવા જુદા જુદા 10 સર્કલોને કાપીને નાના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મનપા દ્વારા આ કામગીરી ત્રણ દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલનું કામ ગણતરીના દિવસોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્કલ કાપીને ડામર રોડ કરી દેવાતા ટ્રાફિક સમસ્યામાં રાહત થઈ છે. ટૂંક સમયમાં અન્ય 9 સર્કલોને નાના કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ભયંકર ટ્રાફિક સમસ્યા થતી હોય તેવા 10 ચોકના મહાકાય સર્કલ કાપવાનું શરૂ કરી દેવાયું છે. તેમાં રૈયા ટેલિફોન એકસચેન્જ ચોકનું સર્કલ બે દિવસમાં ટૂંકુ કરીને ડામર રોડ પણ કરી દેવાયો છે. તો આ ઝોનમાં કોટેચા ચોક તેમજ ઇસ્ટ ઝોનમાં ચુનારાવાડ ચોક, અમુલ અને સોરઠીયાવાડી સર્કલ કાપવાનું કામ પણ શરૂ કરાતા દિવાળી પૂર્વે આ તમામ ચોકમાં વાહન વ્યવહાર ઘણો સરળ થઇ જવાની પૂરતી શક્યતા છે.