રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત શિક્ષણમાં આવી રહેલા બદલાવો અંગે પ્રોફેસરોને અપગ્રેડ કરવા જરૂરી છે ત્યારે 14 થી 18 ઓક્ટોબર દરમિયાન NEP-2020 અંતર્ગત ‘ટ્રેઇન ધ ટ્રેનર’ 5 દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે કાર્યક્રમમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને પાયાના ભણતરથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના શિક્ષણની જવાબદારી આજના શિક્ષકની છે, ત્યારે આપણો વિદ્યાર્થી ટેક્નોલોજીથી સજ્જ બને તેમજ ભણતરની સાથે નવી ટેક્નોલોજીથી જાણકાર બને તે જવાબદારી આપણા સૌની છે. આપણે એવું શિક્ષણ આપવું જોઈએ કે રોજગારી મેળવવામાં વિદ્યાર્થીને ગર્વ થાય કે મને ગુજરાત સરકારે શિક્ષણ આપ્યું છે. સેમિકન્ડક્ટરનાં યુગમાં વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર વિષે પણ પ્રાથમિક માહિતી હોવી એ સૌ પ્રોફેસરોની જવાબદારી છે. અભ્યાસક્રમમાં ન હોય તો પણ બાળકને તેની માહિતી આપવાનું કાર્ય શિક્ષકોનું છે.
અધિક મુખ્ય સચિવે પ્રોફેસરો અને શિક્ષણ સાથે સંકળાયેલા ફેકલ્ટીઓને સંબોધતા જણાવ્યું હતું કે, NEP 2020નું ગુજરાતમાં થયેલ અમલીકરણ અન્ય રાજ્યો માટે રોલ મોડલ પુરવાર થશે. નેશનલ એજ્યુકેશન પોલિસી વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં ટેક્નિકલ અને પ્રોફેશનલ ટિચર્સમાં NEP 2020ને લઇને માહિતગાર કરવાનો છે. વર્ગખંડમાં અનેક તજજ્ઞો વિવિધ ક્ષેત્રમાં પોતાનો મહારથ હાંસલ કરીને આવ્યા હતા. તે તમામ અનુભવી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ, વર્ગખંડ વ્યવસ્થાપન, તકનીકી શિક્ષણને અપનાવવા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.