રાજકોટ શહેર જિલ્લામાં અનઅધિકૃત રીતે સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોને હટાવવા માટે કલેકટર તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મોરબી રોડ ઉપર રેવન્યુ સર્વે નંબર 91 પૈકીની ટીપી સ્કીમ નંબર 12ના એફપી નંબર 55ની 3271 ચોરસ મીટર જમીન પરથી દબાણોને હટાવવામાં આવેલ હતા. જેની અંદાજિત કિંમત 13 કરોડ થાય છે. જેમાં 8 રેતી-કપચીના ધંધાર્થીઓ, 3 ઝૂપડા, 1 ઈંડાની લારી, 1 ચા અને 1 નાસ્તાની રેકડી ગેરકાયદેસર હોવાથી તેને દૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ પ્રાંત-1 અધિકારી ચાંદનીબેન પરમાર, રાજકોટ પૂર્વ વિભાગનાં મામલતદાર એસ.જે.ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ સેરશીયા, નાયબ મામલતદાર જે.એચ. સાંબડ, તલાટી ધારાબેન વ્યાસ સહીતનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં કાફલા દ્વારા પોલીસ બંદોબસ્તને સાથે રાખી મોરબી રોડ ઉપર ઓપરેશન ડિમોલીશન કરવામાં આવેલ હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી હાઈવે પર ફોર્જ એન્ડ ફોર્જ યુનિટની બાજુની આ સરકારી જમીન પર દબાણકારોએ અન અધિકૃત રીતે કરેલા દબાણો જેમાં 8 રેતી-કપચીનાં ધંધાર્થીઓના દબાણો ઉપરાંત 3 રહેણાંકનાં ઝુંપડા તેમજ ઈંડાની લારી અને ચા-નાસ્તાની એક એક રેકડીઓનાં દબાણો હટાવવામાં આવ્યા હતા.