પાંચ વર્ષની પુત્રી મોબાઈલમાં રમતી હતી અને રૂમમાં માતાનો મૃતદેહ લટકતો હતો!

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં શાંતિધામ સોસાયટીમાં રહેતા મહિલાએ તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પાંચ વર્ષની પુત્રી રૂમમાં મોબાઇલમાં રમતી હતી અને અને બાજુમાં માતાનો મૃતદેહ લટકતો હતો. નોકરી પૂરી કરી ઘેર આવેલા પતિ દૃશ્ય જોઇ હચમચી ગયો હતો. બનાવને પગલે શાપર પોલીસે મહિલાના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાપર-વેરાવળમાં શાંતિધામમાં રહેતા ધર્મિષ્ઠાબેન હરસુખભાઇ પરમાર (ઉ.28) એ પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે શાપર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. જમાદાર પ્રતિપાલસિંહ જેઠવા તેમજ મુકેશભાઇ સહિતે તપાસ કરતાં મૃતક મહિલાના લગ્ન 9 વર્ષ પહેલાં કારખાનામાં નોકરી કરતા હરસુખ સાથે થયા હતા. દરમિયાન એક પાંચ વર્ષની પુત્રી હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં મૃતક ધર્મિષ્ઠાબેનના માવતર માળિયા હાટીના તાલુકાના અવાણિયા ગામે રહેતા હોવાનું જણાવ્યું હતું. પતિ રાત્રે આઠ વાગ્યે નોકરી પૂરી કરી ઘેર આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો. ઘરના રૂમમાં પાંચ વર્ષની પુત્રી મોબાઇલમાં રમતી હતી અને બાજુમાં પત્નીનો મૃતદેહ લટકતો જોવા મળતા હતપ્રભ થઇ ગયો હતો. દેકારો થતા પાડોશી દોડી આવ્યા હતા. જાણ કરતાં 108 તેમજ પોલીસ પહોંચી હોવાનું પતિએ જણાવતા પોલીસે મહિલાના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *