રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 24 કેસ!

ચાલુ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન સારો વરસાદ નોંધાયા બાદ થોડા સમયના વિરામ બાદ ફરી 3 દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે હવે નવરાત્રિ પૂર્ણ થયા બાદ મિશ્ર ઋતુના કારણે ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની અંદર રાજકોટ શહેરમાં મનપાના ચોપડે નોંધાયેલ આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યુના 24, મેલેરિયાના 2, ટાઇફોડના 3, કોલેરાનો 1, ચિકન ગુનિયાના 3 અને સામાન્ય તાવ, શરદી, ઉધરસના 1,785 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટ શહેરમાં મેલેરિયાના નવા 2 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન મેલેરિયા કેસની સંખ્યા 30 પહોંચી છે. જ્યારે ડેન્ગ્યુના નવા 24 કેસ નોંધાતા ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુ કેસની સંખ્યા 272 પહોંચી છે. જ્યારે ચિકુનગુનિયાના 3 કેસ નોંધાતા તેના વાર્ષિક કેસની સંખ્યા 30 પહોંચી છે. આ સાથે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના 1,112 કેસ, સામાન્ય તાવના 673 કેસ અને ઝાડા-ઉલટીના 166 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *