રાજકોટ સિવિલમાં હડકવા વિરોધી ઇન્જેક્શન ખલ્લાસ

રાજકોટ સિવિલમાં શ્વાન કરડવાના દરરોજના 15 જેટલા કેસ આવે છે પરંતુ, હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન જ ખલાસ થઈ ગયા છે, જેને કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિટેન્ડન્ટને કરવામાં આવેલી રજૂઆતમાં બહાર આવ્યું કે, રાજકોટ સહિત રાજ્યની સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસીની અછત જોવા મળી રહી છે કારણ કે, દરેક હોસ્પિટલોમાં જ્યાંથી ઇન્જેક્શન આવે છે તે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડનો માર્ચ સ્ટોક ખલાસ થઈ ગયો છે, જેને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં જ પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી રૂ. 3 લાખની કિંમતના 45 જેટલા ઇન્જેક્શનની ખરીદી કરવી પડી છે. જેથી સરકાર આ ઇન્જેક્શન વહેલી તકે પૂરા પાડે તે ખૂબ જ જરૂરી છે. આ માટે શહેર કોંગ્રેસ દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતુ કે, છેલ્લા એક અઠવાડિયાથી અમને ફોન આવે છે કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના ઇન્જેક્શન અને દવાઓ નથી. જેથી, આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પત્ર લખવામાં આવ્યો છે કે, કયા કારણોસર લોકો માટે ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યારે સિવિલ હોસ્પિટલ તરફથી એવો જવાબ મળ્યો કે, અમારી પાસે ઇન્જેક્શન કે દવાનો જથ્થો છેલ્લા 2 માસથી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *