રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના 2 દિવસ અગાઉ એટલે કે ધનતેરસે ભવ્ય અને લોકોને સૌથી પ્રિય એવી આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ફટાકડાની ખરીદી માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.તા. 18ના રોજ ટેન્ડર ખુલ્યા બાદ એજન્સીને કામ આપવામાં આવશે. આતશબાજીમાં અંદાજે રૂ. 8 લાખના ફટાકડા ફોડવામાં આવશે. બારસના દિવસે દિવાળી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેરસના રેસકોર્સ મેદાનમા આતશબાજી થશે. કાળી ચૌદશના રાત્રે રેસકોર્સ રીંગરોડની ફરતે બહેનોની રંગોળી સ્પર્ધા યોજાશે. દિવાળીએ લોકો રંગોળી જોઇ શકશે અને તે જ દિવસે રાત્રે બહુમાળી ભવન ચોકમાં લેસર શો યોજાશે.
રેસકોર્સ મેદાનમાં સતત 60 મિનિટ સુધી આતશબાજી કરવાની શરતે કામ આપવામાં આવશે. જેમાં કસુરવાર થયે એજન્સીને દંડ કરાશે. તા.29ના સાંજે 7 વાગ્યે રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાનમાં આ આતશબાજી યોજવામાં આવશે. મનપાએ આતશબાજી માટે જે આઇટમના ટેન્ડર બહાર પાડયા છે તેમાં કોમેટ, માઇન્સ, એરીયલ શોટ, સાયરલ, નાયગ્રા ફોલ્સ, પીકોક, ખજુરી, સૂર્યમુખી, ગોલ્ડ સ્ટાર, ટ્રી, અશોક ચક્ર, તારામંડળ જેવી 18 આઇટમનો સમાવેશ થાય છે