રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના રામનાથપરા વિસ્તારમાંથી હાથીખાના શેરી નં.3 એક શંકાસ્પદ કોલેરાનો કેસ જોવા મળતા પરીક્ષણ માટે સેમ્પલ કલેક્ટ કરીને મોકલવામાં આવેલ જેનું રીઝલ્ટ પોઝિટીવ આવ્યું છે. કોલેરાનો કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિભાગની 7 ટીમ દ્વારા 1,424 ઘરોમાં 3,936 લોકોનો સર્વે કરી 11,780 ક્લોરિન ટેબલેટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
રાજકોટના હાથીખાનામાંથી કોલેરાનો દર્દી સામે આવતા મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે શરૂ કરી દેવામા આવ્યો છે. જેમાં 5 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો છે. જેથી, મેડિકલ ઑફિસર અને 14 પેરા મેડિકલ સ્ટાફ સહિત 7 ટીમે ઘરે-ઘરે ચેકીંગ શરુ કર્યુ. કોલેરાનો કેસ આવ્યો તેની આસપાસના 1424 ઘરોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ સર્વે કરી રહી છે. આ દરમિયાન 63 ORS પેકેટ અને 11,780 ક્લોરિન ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેથી, આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા તથા સ્વસ્છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા IEC પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. આ સર્વે દરમિયાન પીવાના પાણીના પાત્રોની સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારમાં મોબાઈલ મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી છે તેમજ સાફ-સફાઈ માટે SWM વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવી છે.