શહેરમાં જામનગર રોડ પર વાલ્મીકિ આવાસ યોજનામાં રહેતા યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના લગ્ન છ માસ પહેલાં જ થયા હતા અને પરિવારમાં એકનો એક પુત્ર હોય પરિવારમાં ગમગીની સર્જાય છે. બનાવને પગલે પોલીસે તપાસ કરતા મૃતક યુવાનને તેના પિતાએ ગરબામાં જવાની ના પાડતા આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર અાવતા વધુ કાર્યવાહી કરી હતી.
જામનગર રોડ પર વાલ્મીકિ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો વિનયભાઇ ભીખુભાઇ બારૈયા (ઉ.23) એ પોતાના ઘેર ઉપરના માળે લાકડાંની આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારને જાણ થતા તેને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસની પૂછતાછમાં યુવકના છ માસ પહેલાં લગ્ન થયા હતા અને તેની પત્ની હાલ સગર્ભા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વિશેષ તપાસમાં તેના પિતાએ તેને રાત્રીના ગરબામાં જવાની ના પાડી ઘેર વહેલા આવી જવા માટે ઠપકો આપ્યો હતો.બાદમાં ઉપરના માળે સૂવા જવાનું કહી ગયા બાદ નહીં આવતા તેની પત્ની અને તેની બહેન બોલાવવા ગયા હતા, પરંતુ દરવાજો ન ખોલતા તોડ્યો હતો ત્યારે વિનય લટકતો હતો.