સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી દુનિયાના કોઇપણ ખૂણેથી પોતાની જે-તે વિષયની ડિગ્રી ઓનલાઈન જોઈ શકશે અને ડાઉનલોડ પણ કરી શકશે. યુનિવર્સિટીએ વર્ષ 2011થી લઈને 2022 સુધીમાં ઉત્તીર્ણ થયેલા જુદી જુદી ફેકલ્ટીના 7.21 લાખ વિદ્યાર્થીની ડિગ્રી કેન્દ્ર સરકારના પોર્ટલ ડીજી લોકર ઉપર અપલોડ કરી દીધી છે. વિદ્યાર્થીઓએ હવે દુનિયાના કોઇપણ ખૂણે ડિગ્રી સંબંધિત કામગીરી માટે ડિગ્રી સાથે રાખવી નહીં પડે, પરંતુ ઓનલાઈન જ બતાવી શકશે.
યુનિવર્સિટીની જુદી જુદી 12થી વધુ ફેકલ્ટીની ડિગ્રીનો રેકોર્ડ ડીજી લોકર ઉપર અપલોડ કરી દીધો છે જેમાંથી વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી મેળવી શકશે. હજુ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 પહેલાના વિદ્યાર્થીઓની ડિગ્રીઓ પણ ડીજી લોકર પોર્ટલ ઉપર અપલોડ કરશે.
દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટિફિકેટ્સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડીજી લોકરમાં ડિગ્રી સર્ટિ. અપલોડ કરવા માટે દરેક શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું હતું.