નવરાત્રિના પડઘમ વાગી ગયા છે, ખેલૈયા દુનિયાના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં રમઝટ બોલાવવા તૈયાર છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યભરના ખેલૈયાઓએ નવરાત્રિને ખાસ બનાવવા નવા નવા ટ્રેન્ડને ફોલો કરી લીધા છે.
અમદાવાદ, સુરત, રાજકોટમાં ચણિયાચોળી, કેડિયું સહિતના ટ્રેડિશનલ વસ્ત્ર ભાડે લેવાનો ટ્રેન્ડ ચાલતો હોવાનું સામે આવ્યું છે. મોંઘી ખરીદી કરવાને બદલે ખેલૈયા બજારમાંથી ટ્રેડિશનલ ડ્રેસમાં ચણિયાચોળી, કેડિયુ અને કોટી સહિતના વિવિધ પહેરવેશ ₹500થી માંડીને ₹5,000 સુધીના ભાડે લઈ રહ્યા છે. જોકે કેટલાક ખેલૈયા ખરીદી પણ કરી રહ્યા છે. રંગીલા રાજકોટિયન્સ અને કાઠિયાવાડના લોકો નવરાત્રિ માટે ગર્લ્સમાં કેડિયું, ચણિયો, ઇનર અને કેપના કોસ્ચ્યુમની સાથે છત્રી અને કેપ તો યુવાઓમાં ઝભ્ભા-પતિયાલાની સાથે સાફા ભાડે લેવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
તો મ્યુઝિયમમાં જોવા મળતી જ્વેલરી હાલ સુરતમાં ટ્રેન્ડમાં છે. ચોકર્સ, ઘૂંઘરું સાથેની બ્રાસ લાઈટ વેટ જ્વેલરી ઓન ડિમાન્ડ છે. છત્તીસગઢના કારીગરોની હેન્ડ મેડ આ જ્વેલરી સુપર લાઈટ વેટ હોવાથી પહેરીને કલાકો સુધી ગરબા રમનારને ખબર જ પડશે નહીં કે તેઓએ જ્વેલરી પહેરી છે. ₹500થી માંડીને ₹3,000માં મળી રહે છે અને વિદેશમાં રહેનાર અને સેલિબ્રિટીઝ પણ તેના પર ઓવારી ગયા છે.
હવે વાત કરીએ ટેટૂની તો ગર્લ્સમાં સેવન ચક્રા, મોર, બટર ફ્લાય, મહાદેવ સ્કલ્પચર અને મંડાલા તો પિઅરર્સિંગમાં કાનમાં હેલિક્સ હેંગિંગ તો બોય્ઝમાં આઇબ્રોમાં પિઅરર્સિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે, ચામડીના નિષ્ણાતો ટેટૂ કરવાથી શરીરને થનાર નુકસાન બાબતે ચેતવી રહ્યા છે. ટેટૂ કરવાથી ચામડીનો ટીબી થવાનો ભય પણ વ્યક્ત કરી રહ્યા છે.