ડમ્પર ચલાવવા માટે હપ્તો માંગતા સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો ક્લાર્ક અને સિક્યોરિટી ગાર્ડ 1000ની લાંચ લેતા ઝડપાયા

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ આજે રૂપિયા 1000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્ક સાજીદખાન પઠાણ અને સિક્યોરિટી ગાર્ડ ગીરીશ ઝાલાએ ડમ્પર ચલાવવા માટે લાંચની માંગણી કરી હતી જેથી બંનેની ધરપકડ કરી એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ દ્વારા આ રીતે કેટલા લોકો પાસેથી અને કેટલા સમયથી લાંચ લેવામાં આવતી હતી સહિતની દિશામાં તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ પરિવહનમાં ચાલતા ડમ્પર રોકીને એન્ટ્રીના તથા હેરાનગતિ નહીં કરવાના ડમ્પર દીઠ 500નો હપ્તો કલાર્ક સાજીદખાન પઠાણ (ઉ.વ.55) માગતો હતો. ત્રણ ડમ્પર ધરાવતા એક વ્યકિતને હપ્તો આપવો ન હતો. જેથી તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ડમ્પર માલીકે 1500 નહીં પરંતુ ત્રણેય ડમ્પરના 1000 રૂપિયા રાખો તેવી વાતચીત કરી હતી અને કલાર્ક સાજીદખાન તૈયાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *