ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા સુદ ૧૧, ‘જળઝીલણી’ તથા ‘પાશ્વ પરિવર્તિની’ એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. ચાતુર્માસ દરમ્યાન પોઢેલા ભગવાન આજના દિવસે પાશ્વ તરફ પોતાનું પડખું ફેરવે છે. એ નિમિતે આજનો આ અવસર ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ભગવાનની કૃપાથી વરસાદ વરસે છે જેથી નદી-નાળા છલકાઈ જતા હોઈ છે તેમજ પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે. ભગવાને કરેલા ઉપકારનું ઋણ વાળવા સૌ ભક્તો આજે જળઝીલણીનો ઉત્સવ ઉજવે છે. આજે ભક્તો ઠાકોરજીનું પૂજન અર્ચન કરી નદી કે તળાવમાં સ્નાન તથા વિહાર કરાવડાવી ભક્તિ અદા કરે છે. જેને જલઝીલણી ઉત્સવ કહેવામાં આવે છે. આ દિવસે સૌ સંતો ભક્તોએ નિર્જળા એકાદશી કરી હતી.
રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સાથે વિઘ્નહર્તા દેવ ગણપતિજીને જળવિહાર કરાવવા માટે સંતો ભક્તોએ વાજતે ગાજતે શોભાયાત્રા દ્વારા મંદિરની પરિક્રમા કરી જળકુંડમાં લઇ જવામાં આવ્યા હતા.