શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા પોલીસ એકશનમાં આવી હોય તેમ જંગલેશ્વરમાં ગાંજાનુ મોટા પ્રમાણમાં વેચાણ થતુ હાેવાની માહીતીને આધારે એસઓજીએ દરોડો પાડી બે મકાનમાથી રૂ.5.18 લાખના ગાંજા સાથે બે નામચીન શખ્સને ઝડપી લીધા છે. બાચકામાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનાથી માદક પદાર્થનું બન્ને શખ્સ વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એસઓજીએ છેલ્લા 24 કલાકમાં બે સ્થળેથી મોટી માત્રામાં ગાંજો અને એક સ્થળેથી વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હોવાનું પીઆઈ એસ.એમ. જાડેજાએ જણાવ્યું હતું.
પોલીસ સુત્રોના છેલ્લા કેટલાક સમયથી જંગલેશ્વરમાં ગાંજાનુ વેચાણ થતુ હોવાની માહીતીને આધારે પીઆઇ જાડેજા પીએસઆઇ હરીયાણી અને હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલા સહીતના સ્ટાફે જંગલેશ્વરમાં દરોડા પાડતા રફીક યુસફભાઇ જુણેજા અને અસલમ ગુડ્ડુ શેખના મકાનમાંથી રૂ.5.18 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બન્નેની અટકાયત કરી આ ગાંજો ક્યાથી લાવ્યા અને કોને ડીલવરી કરવાનો હતો. તેમજ આ ગાંજાના જથ્થામાં વધુ કોણ કોણ શખસોની સંડોવણી છે. તે અંગે પણ પુછતાછ કરી હતી.
આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો તેમજ 5600 ની રોકડ, વજનકાંટો, સહીત રૂ.5.29 લાખની મતા કબજે કરવામાં આવી છે.