રાજકોટના ધરોહર લોકમેળાનો રંગારંગ પ્રારંભ થશે

મેળો એટલે ઉત્સવ. લોકમેળા વ્યસ્ત જીવનને આનંદ-ઉમંગથી સભર બનાવે છે. ઉત્સવપ્રિય સૌરાષ્ટ્રવાસીઓ ધાર્મિક-સામાજિક તહેવારોને નિમિત્ત બનાવીને મેળાઓને માણે છે. રંગીલા રાજકોટ શહેરમાં દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યને વધાવવા લોકમેળો યોજાય છે. આ વર્ષે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ મેદાનમા યોજાનારા “ધરોહર લોકમેળા”માં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી માટે માનવ મહેરામણ ઉમટી પડશે. ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દીહોરાના માર્ગદર્શનમાં લોકમેળાના ઉદ્ઘાટન સમારોહમાં 7 ગ્રુપ કલાના કામણ પાથરીને રાસ-ગરબા અને ડાયરાની રમઝટ જમાવી જનતાને મંત્રમુગ્ધ કરશે.

રાજકોટનું શ્રી વૃંદ છેલ્લા ઘણા વર્ષોથી લોકમેળાના ઉદ્ઘાટન સમારંભમાં અર્વાચીન ગરબા રજૂ કરે છે. તેના કોરિયોગ્રાફર વિરંચી બુચ કહે છે કે, આ વર્ષે પણ શ્રી વૃંદ ‘ના.. ના.. નહીં આવું.. મેળે નહિ આવુ… મેળાનો મને થાક લાગે..’ ગીત પર અર્વાચીન ગરબો રજૂ કરશે. આ ગરબો ભાતીગળ રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યો છે. ગામડામાં રહેતી બહેન-દીકરીઓ ઘરકામ કરતી હોય, તે વખતે કોઈ સખી મેળામાં જવા માટે બોલાવે ત્યારે સખીઓ સાથેની મીઠી રકઝક આ ગીતનો ભાવાર્થ છે. આ ગરબો ફેબ્રુઆરી, 2024માં હિમાચલ અને પંજાબ ખાતે ગુજરાત રાજ્ય સરકારના ઉપક્રમે યોજાયેલા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામમાં પણ પ્રસ્તુત થયો હતો. ગામઠી પહેરવેશમાં સજ્જ 12 બહેનો દ્વારા રજૂ થતો આ તાળીરાસ નીહાળવો એ એક લ્હાવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *