ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. પરંતુ ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે. એટલે કે, રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ-આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. કારણ કે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગ દ્વારા આગામી 24, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટવાસીઓ માટે આ વર્ષના સાતમ-આઠમના તહેવારનો ઉત્સાહ વરસાદી પાણીમાં વહી જાય તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. કારણ કે, આજથી એટલે કે, 22 ઓગસ્ટથી રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લાઓમાં 9 ઇંચ કરતાં વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે.