ATM મશીનમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનનું મોનીટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી, પૈસા ઉપાડી લઈ, મોનિટરમાં રહેલી પાવર સ્વીચ બંધ કરી ટ્રાન્ઝેકશન ડીકલાઈન કરાવી, બેન્કના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી નાણાં ઉપડેલ નથી એવું જણાવી ચીટિંગ કરનાર ભેજાબાજ અનીશ સફી મોહમદ મવ (ઉ.વ.31) કે જે મૂળ હરિયાણાના નુંહું જિલ્લાના કંસાલી છે તેને રાજકોટ ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપીએ ATMનું મોનીટર ખોલવા માટે ખાસ ચાવી ઓનલાઇન ખરીદી હતી. છેલ્લા થોડા સમયમાં રાજકોટ સહિત અમદાવાદ જામનગર મળી રાજ્યમાં અનેક બેન્કોમાં આ મુજબ ચેડા કરી અંદાજિત 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઇ પોલીસે આરોપીના 23 તારીખ સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ACP ભરત જાધવે જણાવ્યું હતું કે, કેનેરા બેન્કના મેનેજર અક્ષય અવધેશકુમાર આનંદ (ઉ.વ.34)એ નોંધાવેલ ફરીયાદ મુજબ ગત તા.13ના રોજ બેંકના ATMમાં લગાવેલ CCTV કેમેરા જોતા તા.13ના સવારના 7 વાગ્યાની આસપાસ એક માણસ ATMમાં પ્રવેશ કરી આજુબાજુમાં જોઇ તેના ખિસ્સામાથી ATM કાઢી પૈસા ઉપાડવાની પ્રોસેસ કરી ફરીથી આજુબાજુમા જોઇ તેના ખિસ્સામાંથી એક ચાવી કાઢી મોનીટર ઉપર ચાવી લગાવી. મોનીટર ખોલી તેની સ્વીચ બંધ કરી ફરીથી મોનીટરની સ્ક્રિન જેમ હોય તેમ ફીટ કરી પૈસા લઇ જતો હોય એવું જોવા મળ્યું હતું.