બનાસ ડેરી બાદ રાજકોટ ડેરીની પહેલ

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂઘ સંઘે 66,333 દૂધ ઉત્પાદકોની જન્માષ્ટમી ભાવફેર વધારાની રૂ.25ની પ્રતિ કિલો ફેટની રકમ જાહેર કરીને સુધારી નાખી છે. આ રકમ ડાયરેકટ દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવા પણ વ્યવસ્થા ગોઠવીને ગઇકાલે સાંજ સુધીમાં જ કુલ 855 મંડળી પૈકીની 202ના 18,054 સદસ્યોને રૂ.5.50 કરોડની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023-24માં રૂપિયા 39 કરોડથી પણ વધુનો નફો થયો છે ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21.97 કરોડ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નફામાંથી પ્રતિ કિલો ફેટ લેખે રૂપિયા 25 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવામાં આવશે. જે અંતર્ગત મંગળવારના રોજ 5.50 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા છે. તેમજ બાકીની રકમ પણ જમા કરાવવાનું રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આમ રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 202 દૂધ મંડળીઓના 18054 જેટલા દૂધ ઉત્પાદકોના બેન્ક ખાતામાં ભાવ ફેર ની રકમ જમા કરાવવાનું શરૂ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *